સ્થાન ઇંટો નું..
રઝિયા મિર્ઝા ગુજરાતી બ્લોગ
૧૪ જાન્યુઆરી’ઉતરાયણ’ ની આજે સવારે રંગબેરંગી પતંગો થી ભરેલા આકાશ માં ચારે બાજુ બાળકો ની કિલકારીઓ વચ્ચે,ક્યાંક અગાસી કે છત પર મૂકેલા સ્પીકરો માં વાગતા ગાયનો ના ઘોંઘાટ માં ,રંગબેરંગી ટોપીઓ,હેટ અને ચહેરા પર ગોગલ્સ ની રંગીનીઓ માં ઉંચે અગાસી થી નીચે ની તરફ અચાનક નજર પડતાં……
એક ખાટલા પર ફાટેલા,કપાયેલા પતંગો માં થી ગૂંચ કાઢી ને દોરી ભેગી કરી વીંટો કરતાં કરતાં ‘તૂં’ સાદ કરે છે….’લે બેટા લઈલે, આ દોરી બહુ લાંબી છે ,આના થી પતંગ ચઢાવ,’
શિયાળા ની આ ઠંડી માં જૂનું સ્વેટર પહેરીને વીતી ગયેલા સમય ની ચાડી ખાતા કરચલીઓ વાળા હાથ ની તરડાઈ ગયેલ આંગળીઓ માં , માંજો પીવડાવેલી પતંગ ની દોરી ભરાઈ જઈ તેમાંથી લોહી ની ટશરો ફૂટે છે એ તારી ધ્યાન બહાર છે, અથવા તો તૂં જાણી ને અજાણ થઈ જાયછે. એવું મને લાગ્યું .તારે માથે બાંધેલ સફેદ સ્કાર્ફના ઉકલી ગયેલા ઉન ના દોરાઓ માં, તારા ધોળા વાળ ભેગા થઇ ને પવન ની લહેરખી સાથે ઉડે છે ત્યારે ખબર નથી પડતી કે સ્કાર્ફ માં થી છૂટૂં પડેલ ઉન ઉડે છે કે પછી તારા અમારી જીંદગી ને પાછળ ધોળા કરેલ ધોળા વાળ…!!!!
‘એ કાપ્યો’ ના શોર માં ,તંદ્રા માં થી અચાનક ઝબકી ને જાગતાં પાછું ધાબા પર થી નીચે નજર કરી તો…….તૂં અદ્રશ્ય હતી….
હા, યાદ આવ્યું તૂં તો ક્યારની યે ચાલી ગઈ છે ‘તારા જીવન ની દોરી’ સંકેલી ને, વર્ષો પહેલાં………………….પેલી કપાઈ ને દૂર જતી પતંગ ના દેશ માં….
મારા જોયેલા આ દ્રશ્ય ને કદાચ કોઈએ નહિં જોયું હોય ,કારણ કે બધા ‘વ્યસ્ત’ છે જીવન ના પતંગો ઉડાડવામાં……મેં મારા રડતા હ્રદય,આંખોં ને છાને માને લૂંછી નાખી…ને રંગીન ‘ગોગલ્સ’ ચઢાવી લીધા મારી આંખો પર…..કોઈ મને રડતા જોઈ ન જાય એ માટે..
વડોદરા મધ્યસ્થ જેલ માં બંદિવાનો માટે ની વડોદરા ના જાણીતા ચિત્રકાર શ્રી મૂસાભાઈ કચ્છી ની ચાર માસ ની મહેનત અને શ્રી સર્જન આર્ટ ગેલેરી વડોદરા ની એક સપ્તાહ ની શિબિર માં જાણીતા ચિત્રકાર શ્રી હિતેશ રાણા એ બંદિવાનો ને વિષય આપ્યો ’મારો પરિવાર મારું ઘર’. આ શિબિર માં શ્રી આનંદ ગુડપ્પા એ એક એક સંવેદના ને બંદિવાનો સાથે વહેંચી.સપ્તાહ બાદ આ કલાકારોનું કામ એમના ચિત્રો માં એમના વિચાર ,ભાવનાત્મક સંદેશ સાથે સ્પષ્ટ દેખાઇ આવ્યા કે આ લોકો પોતાના ઘર- પરિવાર અને બાળકો ને યાદ રહ્યા છે.જો કે એક્રેલિક અને કેન્વાસ ની સાથે આ નવો જ પ્રયોગ હતો પણ બધાજ પ્રતિભાગિયો એ ખૂબજ ચતુરાઈ થી એમના ચિત્રણ ભાવનાત્મક રુપ લાવીને ,પૂરી નિષ્ઠા થી સંપૂર્ણ કર્યું.એનું એક દ્રષ્ટાંત છે કે ૨૭ વર્ષ ના કુંવારા બંદિવાન જશવંત મેરવાન મહાલા, કે જેણએ ક્યારેય કેન્વાસ જોયું નહતું એણે પોતાના પિતૃક ગામ ના ખેતરો નું ચિત્ર બનાવી દીધું.
૩૧ વર્ષ ના એક વધુ પ્રતિભાશાળી વિનોદ ભગવાન દાસ માળી એ પોતાના ભૂતકાળ ને દર્શાવ્યો જ્યાં એમણે ખૂબ જ કુશળતા થી પોતાની દાદી ના ખોળા માં પોતાને ,મા બાપ સાથે દર્શાવ્યા.તે પોતાના વ્હાલા ઘર-પરિવાર અને ભૂતકાળ ને યાદ કરતા કહેછે કે આ કલાશિબિર એમના જખમો ભરવા માટે ખૂબજ ઉપયોગી સાબિત થઈ છે. આ થકી એમનું કલા કૌશલ બહાર લાવીને માતાપિતા સમક્ષ પોતાને સક્ષમ સાબિત કરવાનો મોકો મળ્યો.જ્યારે બકા ઉર્ફે ભૂરા તડવી એ પોતાના વ્યથિત મન થકી એક માતા ને તેના ૬ વર્ષિય શાળાએ જતા પુત્ર ને તૈયાર કરતા દર્શાવી છે.પૃષ્ટભૂમિ પર ફૂલો ની માળા પહેરેલ પોતાની તસ્વીર થી એ બતાવ્યું છે કે પોતે હવે આ પરિવાર માટે કંઇજ નથી.પાદરા જીલ્લા ના કુરલ ગામના ૨૯ વર્ષિય સિકંદર ઇબ્રાહિમ ઘાંચી એ ‘વિયોગ’ ચિત્ર ધ્વારા પોતાની પત્ની ને ૬ વર્ષ ની દીકરી એ ખોળા માં લઈને ઘર ના આંગણા માં રાહ જોતી બેઠેલ દર્શાવી છે.અને પોતાને હ્રદય ના નિશાન જેવા સળિયા પાછળ આઁસુ સારતો દર્શાવ્યો છે.
ઘાંચી આ કલાશિબિર માં પોતાને ખૂલેઆમ, દ્રઢતાપૂર્વક વ્યક્ત કરતા કહેછે કે એનું આચિત્ર આખી દુનિયા એ જોવું જોઈએ.એ વિયોગ ના ચિત્ર દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કરીને એનો હિસ્સો બનવા પર ખૂશ છે.
૪૦ વર્ષના મનોજ પટેલ કે જેમણે અહીં આવતા પહેલા સેના માં સેવા આપી જેલ માં આયોજીત દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો માં વક્તા નું પદ ખૂબ સારી રીતે નિભાવે છે.હવે તે લાગણીસભર ગુજરાતી કવિતાઓ પણ લખેછે.એમણે પોતાના ચિત્ર માં ‘જેલો માં રક્ષાબંધન’ નું મહત્વ દર્શાવ્યું છે.મનોજ સાચા અને પ્રેરણાસ્ત્રોત છે બધાજ પ્રતિભાગીઓ માટે ઉપયોગી પણ છે. તેમણે પશ્ચિમ બંગાળ ના રાજેશચંદ્ર મિત્તે સાથે બી.એ અધ્યયન કર્યું છે.
૪૨ વર્ષ ના રાજેશચંદ્ર નિમાયચંદ્ર મિત્તે જે ક્યારેક સ્ટેનોટાઇપીસ્ટ અને સુથારીકામ કરતા હતા,આજે ચિત્રકાર પણ બની ગયા છે.તેઓ આ કલા કાર્યશાળા ના સંરક્ષક પણ છે.તેમનું કહેવું છે કે આ ચિત્રકલા એ તેમને પુન:જન્મ આપ્યો છે.અને આના થી તેમને ખૂબ આનંદ અને સંતોષ મળ્યો છે.તેઓ એ પણ કહેછે કે જીવન ની કલ્પના હું કલા વિના કરીજ નથી તેમણે પોતાના ચિત્ર થકી મહિલાઓ ની વિભિન્ન ભૂમિકા ને એમના પરિવાર ના પ્રતિરોધ સાથે દર્શાવ્યો છે.કહેછે કે જેલ ની તુલના માં અમારું સંઘર્ષ વધુ છે.
ઓરિસ્સા ના કનૈયા લીંગરાજ પ્રધાન નાની ઉમર માં જ અહીં આવી ગયા છે.પોતાના ત્રણ ભાઈઓ સાથે સુરત માં કામ કરતા હતા.જેમણે અનાજ ના ખેતરો માં પોતાની પીઠ પર બાળક ઉપાડી ને કામ કરતી મહિલા નું ચિત્ર દોરી ને એ ખેડૂતો ની દશા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે પોતાના પરિવાર ના બે છેડાઓ જોડવા માટે ખૂબજ મજુરી કરેછે.
ગુજરાત ના સંજાણ ના ૨૭ વર્ષિય સતીષ સોલંકી કે જેઓ જેલ સજા દરમ્યાન જ પોતાના પિતા ને ખોઈ ચુક્યા છે.રક્ષા બંધન ની સ્મૃતિ માં પોતાનીબહેન રાખડી બાંધી રહીછે અને દાદીમાં આ દ્ર્શ્ય જોઈ રહ્યા છે આવું ચિત્ર બનાવ્યું છે.
જિતેન્દ્ર મેવાલાલ ત્યાગી ,સુરત ના આ ૨૬ વર્ષ ના સાઇનબોર્ડ કલાકાર ,ઉત્તરપ્રદેશ ના વતની છે.જેમણે મહિલા અને બાળક સાથે પોતાના વયોવ્રુધ્ધ માતા પિતા કે જેઓ એમના પાછા ફરવાની રાહ જોતા દેખાડ્યા છે. સતીષસોલંકી અને જિતેન્દ્ર ત્યાગી માટે તો ચિત્રકલા ભવિષ્ય માટેનો તાજગીસભર મંચ છે.
૨૮ વર્ષ ના અશોક્કુમાર ભોજરાજ કે જેમનો પુત્ર અભ્યાસ કરવા માગેછે પણ પોતાની આર્થિક પરિસ્તિથી નબળી હોવાથી આ શક્ય નથી બનતું.તેમણે પોતાના ચિત્ર થકી સ્કૂલ યુનિફોર્મ પહેરી શાળા એ જતા બાળકો ના સમુહ તરફ પોતાની દાદી નું ધ્યાન દોરતો દર્શાવ્યો છે.
દિલીપ ભાઈ મોતીભાઈ પૂર્વ સરકારી કર્મચારી ,બાર વર્ષ થી વધુ સમય થી જેલ માં છે. પોતાના ભૂતકાળ અને શાંતિપૂર્ણ ઘર-પરિવાર ને યાદ કરેછે.પરિવાર માં કમાનારા એક માત્ર હોવાથી તેમની અનુપસ્થિતિ માં તેમના પરિવાર ની આર્થિક દશા નું ચિત્રણ ,ચિત્રકલા ના માધ્યમ થી કર્યું છે.
અર્જુનસિંહ રાઠોડ,વડોદરા ના જ વતની ,જે આયકરવિભાગ માં ડેપ્યુટી પદ પર હતા .પોતાના ઘર ની યાદ ને તેમણે દિલચસ્પ રીતે દર્શાવી છે.જેમાં બે બાળકો પકડીનેઉભેલ એક માતા ને દેખાડી છે. પોતાની ભાવનાઓ ને કેનવાસ પર દોરી ને આયોજકો નો આભાર માન્યો છે.
જીગ્નેશ કનુભાઈ કહાર ૩૦ વર્ષના નવસારી ના અગાઉ માછીમાર નો ધંધો કરીને સુખી જીવન વિતાવનારા આ કલાકાર બસ હવે છુટવાના જ છે.પોતાના ચિત્ર દ્વારા માતા ને તેમની રાહ જોતી દર્શાવી છે.
નીતીનભાઈ પટેલ ૪૭ વર્ષના કાલવડા ,જીલ્લો નવસારી ના રહીશે ચિત્ર માં સુંદર નારિયેળ ના વૃક્ષો થી ઢંકાયેલ પોતાના ઘર માં પરિવાર ના સભ્યો માં પિતાજી.નાના કાકા,જીજાજી અને પોતાના ભત્રીજા ને દેખાડ્યો છે. અને પત્ની ને પોતાના છૂટવાની પ્રાર્થના કરતી મંદિર માં દેખાડી છે.
અનવર અલી મલેક ૩૮ વર્ષ ના જંબુસર ના ભરતગુંથણ ના આ કારિગરે ,પોતાના ઘર ના ચિત્ર માં પ્રાણી,પક્ષીઓ ની સાથે પાણી ભરીને આવતી મહિલાઓ તથા આંગણાં માં બેસી ને રમતી બાળાઓ દેખાડી છે.આ કલાકારે ખૂબ જ નિપુણતા થી વિજળીના થાંભલા પાસે પોતાની ૧૧ અર્ષ ની બાળકીનો હાથ પકડીને ઉભેલા દેખાડી ને પરિવાર ની જુદાઈ ને દેખાડી છે
અર્જુન રામચંન્દ્રભાઈ પાર્ટે ,૪૦ વર્ષના વડોદરા ના જ સયાજીગંજ ના આ કલાકારે રક્ષાબંધન ની પૂર્વ સંધ્યાએ,પોતાના પુત્રો હાથ માં રાખડીઓ લઈને તેમની રાહ જોતા ઉભેલ દેખાડ્યા છે.કેનવાસ પર આ તેમનો પહેલો પ્રયાસ છે.
પ્રશાંત કુમાર રાજારામ બોકડે ૨૭ વર્ષના મહારાષ્ટ્ર ના આ સોની,ને જેલ માં આવ્યે ૯ વર્ષ પૂરા થયા છે.તેમણે પોતાના ચિત્ર માં જેને હજી સુધી જોઈ નથી એવી ભત્રીજી ને જન્મદિવસ ને વિશ કરી છે.સ્વપ્ન એટલે એનું નામ પણ સપના આપ્યું છે.એ કહેછે કે તેણીનો જન્મદિવસ પણ યાદ નથી પણ તેઓ દરરોજ મનાવેછે.એની ખૂબજ યાદ આવેછે.
છેલ્લે મહેશ સોલંકી ૨૮ વર્ષના આ કામદારે જૂની હવેલી બતાવી છે.જે જેલ જેવી દેખાય છે.પોતાની કેરિયર ને ખોઈ ચુકેલ દુ:ખી કલાકાર ની માતા પણ આજ જેલ માં છે.
અને ૧૦ ઓગસ્ટ પ્રિઝ્નર્સ-ડે ના દિવસે સર્જન આર્ટ ગેલેરી માં આ પ્રદર્શન નું અનાવરણ પ્રશાંત કુમાર રાજારામ બોકડે ના ચિત્ર દ્વારા કરવામાં આવ્યું.પ્રદર્શન જોવા આ બંદિવાનો ના પરિવારજનો પણ આવ્યા હતા. સિકંદર ઇબ્રાહિમ ઘાંચી ની પત્ની પણ તેની નાનકડી બાળકી સાથે આવી હતી.
આ દિવસ મારા માટે ખૂબ જ સંવેદનશીલ રહ્યો. કારણ કે જ્યારે મને બોલવાનું કહેવાનું આવ્યું તો મેં એ જ કહ્યું કે ‘આપણ ને કોઈ ચિત્ર બનાવવા કહેવામાં આવે તો આપણે એક નોર્મલ ચિત્ર બનાવવાનો પ્રયાસ કરીશું જ્યારે આ લોકોએ પોતાની ‘યાદો’ ને દોરી છે.આ ચિત્રો ના કેટલોગ માં ‘બંદિવાનો” પર મારી લખેલ કવિતા શ્રી કેતન ભાઇ પટેલે વાંચી. હું મારી લાગણીઓ ને કાબુ માં રાખી ન શકી કારણ કે જેમના ચિત્રો ની પ્રદર્શીની હતી તેમની ગેરહાજરી ખટકતી હતી. જોકે કાયદા અને સિક્યોરીટી ની રુએ એ શક્ય નહતું .પણ જ્યારે જેલ માં હું આ ચિત્રો ના કલાકારો ને મળી તો એ આતુર હતા જાણવા કે પ્રદર્શીની માં શું શું થયું.? અને હું ફરી રડી પડી , ને બંદિવાનભાઈઓ પણ રડી પડ્યા.અને અંત માં મારી કવિતા આ બંદિવાનો ને નામ.
…..ચિતરાઇ ગઈ છે કાગળ પર
ચિત્રો થકી આ વેદના, ચિતરાઇ ગઈ છે કાગળ પર
માનસ પટલ થી ઉતરી ,દોરાઈ ગઈ છે કાગળ પર
આ રંગ તો ભળી ગયા, બીજા જ કોઇ રંગ માં
શાયદ કે એની આઁખ પણ ભીંજાઇ ગઈ છે કાગળ પર
આંસુ ની બુંદ જો મળી,આઁખો થી જઇને ચિત્ર માં
નદીઓ બની ને એ જ તો ફેલાઇ ગઈ છે કાગળ પર
ઘર,માવતર ને બાળકો ,સઘળું જ યાદ આવ્યું
પીંછી વડે દિવાલો પણ, લીંપાઈ ગઈ છે કાગળ પર
મુખ થી જે વ્યક્ત ના થયું, ચિત્રો થી વ્યક્ત થઈ ગયું
રચના બધી જ આજ તો સમજાઈ ગઈ છે કાગળ પર
”સર્જન” નો સાથ જો મળ્યો,સર્જિત આ ચિત્ર થઈ ગયું
તેથી જ તો આ જીંદગી, ડોકાઈ ગઈ છે કાગળ પર
ઓ ‘રાઝ’ કેવી મૌન છે! આ બંદીઓની જીંદગી!
તારી કલમ ની સ્યાહી થી દર્શાઈ ગઈ છે કાગળ પર.
આ મારા જીવન નો એક ખૂબજ અગત્ય નો દિવસ રહ્યો . જે આપસૌ સાથે વહેંચી રહી છું.આશા છે મારી ખૂબજ લાંબી પોસ્ટ જરુર ગમશે.આઇ જી જેલ શ્રી ઠાકુર સાહેબ અને જેલ અધિકારીઓ સહકાર થી આ ‘કેદી સુધારણા’ કાર્યક્રમ ને અનુસંધાને થતી આવી પ્રવૃતિઓ ને ખરેખર બિરદાવવા લાયક છે.અંત માં સર્જન આર્ટગેલેરી ના શ્રી હિતેશભાઈ રાણા નો આભાર માનવો રહ્યો કે જેમની સતત મહેનત થી આ બંદિવાનો ના સફેદ કાગળો પર થોડા રંગો દેખાયા.
ઊંચી ઊંચી દિવાલો વચ્ચે જીવાતું એક જીવન.
ઘર ની યાદો માં વગર બિમારી એ પીડાતું જીવન
નાનકડી ઉંમરે બહાર આવવા પાંખો ફફડાવતું જીવન.
કેદી માતા ના ગર્ભ માં સતત ઘુંટાતું જીવન
સંબંધી ની મુલાકાતો માં ઉલઝાતું જીવન.
ઘંટી ના બે પાટ વચ્ચે પીસાતું જીવન,
પ્રેસ ના કાગળો પર વારંવાર છપાતું જીવન
રંધો પકડીને કે શટલ પકડીને વણાતું જીવન.
સિલાઇ મશીનો ના રંગીન દોરાઓ માં,કપડા પર,
ઊભી આડી લાઇનો માં સીવાતું જીવન.
કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,
કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.
પુસ્તકાલય ના કબાટો ના પુસ્તકો માં,
ભીન્ન ભીન્ન શ્રેણી ની શોધ માં શોધાતું જીવન.
કેરમબોર્ડ ની કૂકીઓ ને આમતેમ વિખેરવા,
સ્ટ્રાઇકર બની ને રમાડતું જીવન.
કે પછી ચેસબોર્ડ ના જુદા જુદા મોહરાઓ વચ્ચે,
પોતાનો મહોરો જાદુગરી થી બચાવતું જીવન.
જીંદગી ના સમય ને, સફેદ વસ્ત્રો ની કિનારી એ બાંધીને,
કંઇક શીખીને નવું જીવન જીવવાની સ્વપ્નો માં રાચતું જીવન
સારેગમ ની સરગમ માં, આરોહ ને અવરોહ ની વચ્ચે,
સૂર-તાલ ના થપાટ પર મધુર ગીતો ગાતું જીવન.
”બંદીવાનો” ના સંઘર્ષભર્યા જીવન ના ઉતાર-ચઢાવ જોઈ,
આ ”રાઝ” ને “બંદીની” બનાવતું જીવન
૧ લી મે ૧૯૬૦ આજનો દિવસ
“ગુજરાત સ્થાપના દિન”
આ વર્ષે આપણા ગુજરાતે ૫૦ વર્ષપૂર્ણ કર્યા .
માટે સૌ ગુજરાતી ભાઈબહેનો ને
ની ૫૦ મી વર્ષગાંઠે હાર્દિક શુભેચ્છાઓ”
જો પ્રીત મળે કોઇ તો ગીત બની જઇએ.
જો ગીત મળે કોઇ સંગીત બની જઇએ.
સંગીત મળે કોઇ તો સૂર બની જઇએ.
જો સૂર મળે કોઇ તો સરગમ બની જઇએ.
સરગમ જો મળે કોઇ તો તાલ બની જઇએ.
જો તાલ મળે કોઇ તો નૃત્ય બની જઇએ.
જો પ્રીત મળે કોઇ તો ગીત બની જઇએ……
જો પુષ્પ મળે કોઇ તો પર્ણ બની જઇએ.
જો વૃક્ષ મળે કોઇ તો છાઁવ બની જઇએ.
જો ઋત મળે કોઇ વરસાદ બની જઇએ.
આકાશ મળે કોઇ તો પંખ બની જઇએ.
જો બુંદ મળે કોઇ , સમુદ્ર બની જઇએ.
જો દીપ મળે કોઇ, પ્રકાશ બની જઇએ.
જો ચંદ્ર મળે કોઇ, તો ચકોર બની જઇએ.
આનંદ મળે કોઇ તો સ્મિત બની જઇએ.
જો હાથ મળે કોઇ તો સાથ બની જઇએ.
જો “શેર” મળે કોઇ તો શાયર બની જઇએ.
કોઇ ભેદ ને છુપાવા ચલો “રાઝ” બની જઇએ.
દુ:ખ માં જો જીવી જાણું.
સુખ માં છકી ન જાઉં.
હો ધ્યેય આ જીવન નો.,
ઇજારો મળી જશે.
ભૂલ્યાં ને માર્ગ આપીશ.
દુ:ખિયા ના દર્દ વહેંચીશ.
તૂં એકલો ભલે હો,
સહારો મળી જશે.
હિંમત ન હારજે તું,
પીછે ડગ ન માંડજે તું.
બસ ચાલતો જ રહેજે,
કિનારો મળી જશે.
ચાંદો જો સાથ છોડે,
સૂરજ જો હાથ છોડે,
તુજને આ “રાઝ’ તારા,
હજારો મળી જશે.