ઊંચી ઊંચી દિવાલો વચ્ચે જીવાતું એક જીવન.

ઘર ની યાદો માં વગર બિમારી એ પીડાતું જીવન

નાનકડી ઉંમરે બહાર આવવા પાંખો ફફડાવતું જીવન.

કેદી માતા ના ગર્ભ માં સતત ઘુંટાતું જીવન

સંબંધી ની મુલાકાતો માં ઉલઝાતું જીવન.

ઘંટી ના બે પાટ વચ્ચે પીસાતું જીવન,

પ્રેસ ના કાગળો પર વારંવાર છપાતું જીવન

રંધો પકડીને કે શટલ પકડીને વણાતું જીવન.

સિલાઇ મશીનો ના રંગીન દોરાઓ માં,કપડા પર,

ઊભી આડી લાઇનો માં સીવાતું જીવન.

કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,

કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.

પુસ્તકાલય ના કબાટો ના પુસ્તકો માં,

ભીન્ન ભીન્ન શ્રેણી ની શોધ માં શોધાતું જીવન.

કેરમબોર્ડ ની કૂકીઓ ને આમતેમ  વિખેરવા,

સ્ટ્રાઇકર બની ને રમાડતું જીવન.

કે પછી ચેસબોર્ડ ના જુદા જુદા મોહરાઓ વચ્ચે,

પોતાનો મહોરો જાદુગરી થી બચાવતું જીવન.

જીંદગી ના  સમય ને, સફેદ વસ્ત્રો ની કિનારી એ બાંધીને,

કંઇક શીખીને નવું જીવન જીવવાની સ્વપ્નો માં રાચતું જીવન

સારેગમ ની સરગમ માં, આરોહ ને અવરોહ ની વચ્ચે,

સૂર-તાલ ના થપાટ પર મધુર ગીતો ગાતું જીવન.

”બંદીવાનો” ના સંઘર્ષભર્યા જીવન ના ઉતાર-ચઢાવ જોઈ,

આ ”રાઝ” ને “બંદીની” બનાવતું જીવન