..ઉતરાયણ....

૧૪ જાન્યુઆરી’ઉતરાયણ’ ની આજે સવારે રંગબેરંગી પતંગો થી ભરેલા આકાશ માં ચારે બાજુ બાળકો ની કિલકારીઓ વચ્ચે,ક્યાંક અગાસી કે છત પર મૂકેલા સ્પીકરો માં વાગતા ગાયનો ના ઘોંઘાટ માં ,રંગબેરંગી ટોપીઓ,હેટ અને ચહેરા પર ગોગલ્સ ની રંગીનીઓ માં ઉંચે અગાસી થી નીચે ની તરફ અચાનક નજર પડતાં……

એક ખાટલા પર ફાટેલા,કપાયેલા પતંગો માં થી ગૂંચ કાઢી ને દોરી ભેગી કરી વીંટો કરતાં કરતાં ‘તૂં’ સાદ કરે છે….’લે બેટા લઈલે, આ દોરી બહુ લાંબી છે ,આના થી પતંગ ચઢાવ,’

શિયાળા ની આ ઠંડી માં જૂનું સ્વેટર પહેરીને વીતી ગયેલા સમય ની ચાડી ખાતા કરચલીઓ વાળા હાથ ની તરડાઈ ગયેલ આંગળીઓ માં , માંજો પીવડાવેલી પતંગ ની દોરી ભરાઈ જઈ તેમાંથી લોહી ની ટશરો ફૂટે છે એ તારી ધ્યાન બહાર છે, અથવા તો તૂં જાણી ને અજાણ થઈ જાયછે. એવું મને લાગ્યું .તારે માથે બાંધેલ સફેદ સ્કાર્ફના ઉકલી ગયેલા ઉન ના દોરાઓ માં, તારા ધોળા વાળ ભેગા થઇ ને પવન ની લહેરખી સાથે ઉડે છે ત્યારે ખબર નથી પડતી કે સ્કાર્ફ માં થી છૂટૂં પડેલ ઉન ઉડે છે કે પછી તારા અમારી જીંદગી ને પાછળ ધોળા કરેલ ધોળા વાળ…!!!!

‘એ કાપ્યો’ ના શોર માં ,તંદ્રા માં થી અચાનક ઝબકી ને જાગતાં પાછું ધાબા પર થી નીચે નજર કરી તો…….તૂં અદ્રશ્ય હતી….

હા, યાદ આવ્યું તૂં તો ક્યારની યે ચાલી ગઈ છે ‘તારા જીવન ની દોરી’ સંકેલી ને, વર્ષો પહેલાં………………….પેલી કપાઈ ને દૂર જતી પતંગ ના દેશ માં….

મારા જોયેલા આ દ્રશ્ય ને કદાચ કોઈએ નહિં જોયું હોય ,કારણ કે બધા ‘વ્યસ્ત’ છે જીવન ના પતંગો ઉડાડવામાં……મેં મારા રડતા હ્રદય,આંખોં ને છાને માને લૂંછી નાખી…ને રંગીન ‘ગોગલ્સ’ ચઢાવી લીધા મારી આંખો પર…..કોઈ મને રડતા જોઈ ન જાય એ માટે..

પણ……..મારી નજરો શોધતી રહેછે તને ‘એ ખાટલા પર જ્યાં તૂં બેઠી હતી દોરી વીંટતાં વીંટતા તને …..”માઁ”