Posts from the ‘સત્યઘટના પર આધારિત લેખ’ Category

..ઉતરાયણ….

..ઉતરાયણ....

૧૪ જાન્યુઆરી’ઉતરાયણ’ ની આજે સવારે રંગબેરંગી પતંગો થી ભરેલા આકાશ માં ચારે બાજુ બાળકો ની કિલકારીઓ વચ્ચે,ક્યાંક અગાસી કે છત પર મૂકેલા સ્પીકરો માં વાગતા ગાયનો ના ઘોંઘાટ માં ,રંગબેરંગી ટોપીઓ,હેટ અને ચહેરા પર ગોગલ્સ ની રંગીનીઓ માં ઉંચે અગાસી થી નીચે ની તરફ અચાનક નજર પડતાં……

એક ખાટલા પર ફાટેલા,કપાયેલા પતંગો માં થી ગૂંચ કાઢી ને દોરી ભેગી કરી વીંટો કરતાં કરતાં ‘તૂં’ સાદ કરે છે….’લે બેટા લઈલે, આ દોરી બહુ લાંબી છે ,આના થી પતંગ ચઢાવ,’

શિયાળા ની આ ઠંડી માં જૂનું સ્વેટર પહેરીને વીતી ગયેલા સમય ની ચાડી ખાતા કરચલીઓ વાળા હાથ ની તરડાઈ ગયેલ આંગળીઓ માં , માંજો પીવડાવેલી પતંગ ની દોરી ભરાઈ જઈ તેમાંથી લોહી ની ટશરો ફૂટે છે એ તારી ધ્યાન બહાર છે, અથવા તો તૂં જાણી ને અજાણ થઈ જાયછે. એવું મને લાગ્યું .તારે માથે બાંધેલ સફેદ સ્કાર્ફના ઉકલી ગયેલા ઉન ના દોરાઓ માં, તારા ધોળા વાળ ભેગા થઇ ને પવન ની લહેરખી સાથે ઉડે છે ત્યારે ખબર નથી પડતી કે સ્કાર્ફ માં થી છૂટૂં પડેલ ઉન ઉડે છે કે પછી તારા અમારી જીંદગી ને પાછળ ધોળા કરેલ ધોળા વાળ…!!!!

‘એ કાપ્યો’ ના શોર માં ,તંદ્રા માં થી અચાનક ઝબકી ને જાગતાં પાછું ધાબા પર થી નીચે નજર કરી તો…….તૂં અદ્રશ્ય હતી….

હા, યાદ આવ્યું તૂં તો ક્યારની યે ચાલી ગઈ છે ‘તારા જીવન ની દોરી’ સંકેલી ને, વર્ષો પહેલાં………………….પેલી કપાઈ ને દૂર જતી પતંગ ના દેશ માં….

મારા જોયેલા આ દ્રશ્ય ને કદાચ કોઈએ નહિં જોયું હોય ,કારણ કે બધા ‘વ્યસ્ત’ છે જીવન ના પતંગો ઉડાડવામાં……મેં મારા રડતા હ્રદય,આંખોં ને છાને માને લૂંછી નાખી…ને રંગીન ‘ગોગલ્સ’ ચઢાવી લીધા મારી આંખો પર…..કોઈ મને રડતા જોઈ ન જાય એ માટે..

પણ……..મારી નજરો શોધતી રહેછે તને ‘એ ખાટલા પર જ્યાં તૂં બેઠી હતી દોરી વીંટતાં વીંટતા તને …..”માઁ”

“મજલી આપા’ 1 જૂન 2008 ને રોજ લખાયેલ સત્યકથા

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો.

એક ખૂણા માં બે ઘૂંટણ વચ્ચે માથું દબાવી ને છાનું છાનું રડતા ‘મજ્લી આપા’ પર કદાચ કોઇ નું ધ્યાન નહોતું.હોય પણ ક્યાંથી?’શૌકત આપા’ ની મય્યત ની આસ-પાસ ના કોલાહલ માં જ ‘મજલી આપા’ નું છાનું રૂદન દબાઇ જતું હતું.

હા,.આ એજ ‘મજલી આપા’ જે  ‘શૌકત આપા’ની સાથે-સાથે જ આજ થી લગભગ પંચાવન વર્ષ પહેલા આ ઘર માં પ્રવેશ્યા હતા.પાંચ બહેનો અને એક ભાઇ ના કુટુંબ માં

થી આવેલા ‘મજલી આપા’ ના પિતા ખંભાત ના નવાબ સાહેબ ના દારોગા હતા.’મજ્લી આપા’ વચેટ હોવાથી તેમને ભાઇ બહેનો ‘મજલી આપા’ કહેતા.બંને બહેનો એકજ ઘર માં સબંધે દેરાણી-જેઠાણી પણ થતા હતા.’શૌકત આપા’ને અલ્લાહે પાંચ પુત્રો અને એક પુત્રી ની બક્ષીશ આપી હતી.જ્યારે ‘મજ્લી આપા’નો ખોળો લગ્ન ને પંદર વર્ષ પછી પણ ખાલી હતો.અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું.

બીજી બાજુ ‘મજલી આપા-અલીરઝા’એ પણ તેમની દીકરીઓ ને સારુ શિક્ષણ આપ્યું.પરંતુ દીકરીઓ ના શિક્ષણ પાછળ ની‘મજલી આપા’ની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમની દીકરીઓ ને સારી સરકારી નોકરીઓ મળી ગઈ.સમાજ ના ઉચ્ચ એવા નવાબી કુટુંબ માં દીકરીઓ ની શાદી કરી ને ‘મજલી આપા તો ધન્ય થઇ ગયા.દીકરીઓ ને ભણાવતી વખતે સાંભળેલા ‘મહેણાંઓ’ નો કદાચ આ સુંદર જવાબ હતો..નવાબ સાહેબ ના દારોગા ની આ જિદ્દી પુત્રીએ આ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માં કેટલી શક્તિ છે?

હજી પાંચ વર્ષ પહેલાં ‘હિસ્ટેક્ટોમી’ નું ઓપરેશન કરાવતી વખતે દીકરી-જમાઇઓ,દીકરા-વહુ ની હાજરી થી ગદ-ગદ એવા ‘મજ્લી આપા’ પોતાની મહેનત સફળ થઇ એવું અનુભવવા લાગ્યા.અને નાતી-નવાસીઓ ને શિક્ષણ પર ભાર મૂકી ને સમજાવવા લાગ્યા.ગરીબાઇ ને ખૂબ જ નજીક થી અનુભવી ચુકેલા ‘મજ્લી આપા’ને મન શિક્ષણ ની અગત્યતા ખૂબ જ હતી.

એકદમ થયેલા શોર-બકોર માં ‘મજલી આપા’ ઝબકી ગયાં.માથું ઉંચું કરી ને જોયું તો ‘શૌકત આપા’ના પાર્થિવ શરીર ને સૌ કોઈ એની અવ્વલ મંજિલ લઇ જવા નીકળ્યા  હતા.’મજ્લી આપા’ લાક્ડી ના સહારે ઉભા થયા.રૂમાલ થી આંસુ લુછ્યા.ભરાયેલો ડૂમો અચાનક નીક્ળી ગયો.’ઓ મેરી બડી દુ;ખિયારી આપા’.

એમના આ કરુણ આક્રન્દે ‘મજલી આપા ની બાજુ મા બેઠેલી તેમની ‘મજલી દીકરી’ ને હચમચાવી દીધી. એકજ ઘર માં જન્મ ,એકજ ઘર મા લગ્ન.સાથે સાથ રહીને એકબીજા ના દુ;ખ-સુખ સમજનાર બે બહેનો હવે વિખુટી પડી ગઇ હતી.

જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી  રહી.અને આજે ‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી..

“માઁ”

Ammi  aur main

મારો “શ્વાસ” અટકી ગયો હતો, મારી વિદેશ જવાની તૈયારીઓ હતી પણ મારો જીવ મારી “માઁ ” માં હતો. હું પાછી આવીશ તો એને જોઇ શકીશ કે નહિં? મન માં એજ પ્રશ્ન હતો,એક બાજુ નોકરી ની ફરજ બીજી બાજુ “માઁ’ ની ફરજ.

એ બે માં મેં પસંદ કર્યો મારી ફરજ. માતાએ મને વિદાય આપી ” જા બેટા, તું ચિંતા ના કરજે. તું પાછી ન આવું ત્યાં સુધી મને કોઇ કંઇજ નહિં કરી શકે. મ્રુત્યુ પણ નહિં.

બરાબર અઢી મહિંને હું પાછી આવી. દોડતી ગઇ માતા પાસે, સૌ કોઇ કુટુંબીજન મારી જ રાહ જોતા હતા, માતા મરણ પથારીએ હતી, હું તેની પાસે બેઠી , આંખો ખોલી બોલી” હવે મારો જીવ જશે, હું તારી જ રાહ જોતી હતી, તું આવી ગઇ બેટા?

મેં તેના ચહેરા પર આંખો પર, આખા શરીર પર હાથ ફેરવ્યો, જાણે તેને નવું જીવન મળ્યું. તે કહેવા લાગી તારી પ્રર્થનાએ મને બચાવી લીધી, મેં કહ્યું તને કંઇજ થવાનું નથી.

એ પછી મારી “માઁ”3 મહિના અને ન17 દિવસ આ દુનિયા માં રહી . 22 એપ્રિલ ના રોજ કોઇ ને કંઇક કહ્યા વગર છાની-માની અનંત યાત્રા એ ચાલી ગઇ.

3 વર્ષના લાંબા ગાળા થી એ કેન્સર થી પિડાતી હતી.તેના આ આકસ્મિક મરણ નું સાંભળી ડોકટર્સ પણ નવાઇ પામી ગયા કારણ કે કોઇ પણ તકલીફ વગર તે પોઢી ગૈઇ એક લાંબી નિંદર માં.

મારી કવિતાઓ અટ્કી ગઇ હતી. પણ માતા ના મ્રુત્યુ એ મારો “શ્વાસ” ફરી ધબકતો કરી દીધો.

%d bloggers like this: